
આપણી પ્રજાપતિ જ્ઞાતિ ઘણાજ કઠીન દિવસોમાંથી પસાર થઈ હતી. અને, હવે ધીરે ધીરે જ્ઞાતિમાં જે કંઈ થઈ રહ્યુ છે તે આનંદ માણવાની ઘડી છે. આ
ઘટનાને ફક્ત “એક પળ” રૂપે જ નિહાળવું રહ્યુ કારણકે આપણે જે પર્વત પર ચડી રહ્યા છીએ તેના શિખરે હજું પહોંચી શક્યા નથી.પ્રથમ તો આપણે સૌ જ્ઞાતિજનોએ વિચાર કરવાનો રહે છે કે : શા કારણે આપણી જ્ઞાતિમાં દુ:ખ ? ઉંડો વિચાર કરીએ તો “જ્ઞાતિ ગરીબાઈ” નજરે આવે છે. અને ગરીબાઈના કારણે અન્ય તકલીફો જરૂર કિંતુ ફરી વધુ ઉંડો વિચાર કરીએ તો સમજાશે કે જોઈએ તેવી એકતા -સંપ નથી . ઘણીવાર ગરીબાઈ, હોય તો પણ સંપ-બળ દ્વારા એનો સામનો કરી શકાય, તો હવે પ્રશ્ન રહે : કેવી રીતે જ્ઞાતિમાં પરિવર્તન લાવીશું ?
જ્ઞાતિમાં ગરીબ હોય તે જ્ઞાતિજનોને ગુજરાન માટે તકલીફો…. એ તકલીફો સાથે બાળકોના ભણતર માટે ચિંતા કે અશક્યતા…. અને, ભણતરની “જ્ઞાનગંગા” વગર જ્ઞાતિ ફરી દુ:ખના ચક્કરમાં અને અંધકારમાં તો, જ્ઞાતિમાં પ્રકાશ કેવી રીતે વધે એવું જાણી કંઈક અમલમાં મુકવાની ફરજ જ્ઞાતિજનો-સમાજની બની જાય છે.
આપણે હવે એક પ્રજાપતિ કુટુંબનો દાખલો લઈએ એ કુટુંબ ગરીબ છે ? ગુજરાન માટે માટી કામ કે કંઈક નાનો ધંધો છે. કુટુંબમાં એક બાળક છે. એ બાળકને ભણવાની હોંશ છે. અહી, માતા-પિતા તરીકે પ્રથમ જવાબદારી રહે કે બાળકને શિક્ષણ માટે ઉતેજન આપવું. ઉતેજનરૂપી પાયો પણ ઘણીવાર બાળકને મળતો નથી. જે દુ:ખજનક વાત કહેવાય. એકવાર માતા-પિતા કે નજીકનાં સ્નેહી ઉતેજન આપવાનો નિર્ણય લે એટલે એઓને આત્મશક્તિ કંઈક પ્રેરણા આપેજ ! ઘરખર્ચમાં કંઈક કાપ, કે પછી બાળક માટે પૈસાની શોધ. આટલું જો કુટુંબે શક્ય થાય તો જરૂર પ્રભુ પણ ખુશી થાય. એ પછી , બાળકના ભણતર માટે પોતે પુરતા પૈસા ભેગા ન કરી શકે તો કદાચ પ્રભુ દ્વારા કોઈકને પ્રેરણા મળે. આથી મારો મત છે કે કુટુંબે શિક્ષણ ઉતેજનની જાગ્રુતિ ઘણી જ જરૂરી છે.
પ્રજાપતિ કુટુંબે કુટુંબે કંઈક જવાબદારીની શરૂઆત. તો, શું બધુ બરાબર થઈ ગયુ? શું એવો અભિપ્રાય પ્રજાપતિ સમાજે લેવો જોઈએ ? ના…ના….ના….પ્રજાપતિ બાળક એ પ્રજાપતિ સમાજનો ભવિષ્યનો તારલો છે. બાળકના ભણતર કે જ્ઞાતિજનોને સહાય કરવાની જવાબદારી સમાજને લાગે છે આ એક મોટી જ્વાબદારી છે. જ્ઞાતિમાં કોઈની સારી સ્થિતી હોય તે પણ સમાજને જાણ હોવી જોઈએ. જ્ઞાતિમાં સૌને એક તાંતણે બાંધતા સારી-નબળી સ્થિતીઓવાળા સર્વ એકતા-સંપ-પ્રેમભાવના પંથે હોય,. સમાજ કાર્યકર્તાઓ ઘર ઘરની માહિતી રાખી, જ્ઞાતિજનોને સહકાર માટે જાગ્રુત રાખે. એ પરમ ફરજ બની જાય છે. પ્રજાપતિ જ્ઞાતિ માટે ગૌરવનાં બીજ સમાજ/સંસ્થાએ રોપ્યાં હોય તો આ કાર્ય જરા સરળ બની જાય છે.
ભુતકાળ અને વર્તમાન કાળ બતાવે છે કે પ્રજાપતિ જ્ઞાતિજનોને અન્ય તરફથી ઘણું જ સહન કરવું પડ્યું છે. ખોટી ટીકાઓ-અપમાન જનક શબ્દો ! ગરીબાઈને કારણે અન્ય ખોટી ટીકા કે કંઈક ખોટી રીતે લાભ લેતા હશે, કિંન્તુ અહીં જ્ઞાતિમાં શિક્ષણ-રૂપી જ્યોતિ ન હોવાનું કારણ પણ અગત્યનું બની જાય છે. જ્ઞાતિ અંધકાર જરૂર ફાળો આપે છે. શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રજાપતિ જ્ઞાતિને પોલીટીકલ વોઈસ ( POLITICAL VOICE) મળ્યો છે. સંઘે દરેક પ્રજાપતિજનોની સુતેલી “પ્રજાપતિ શક્તિ” ને જાગ્રુત કરી છે અને એકતાના પંથે ગુજરાતમાં જ્ઞાતિ માટે ઘણું જ કર્યું છે. સર્વ થતા લાભોમાં પ્રજાપતિ બાળકોને પણ સરકાર દ્વારા લાભ શક્ય થયા છે. ભલે, ઘણું થયુ છતાં, આ કાર્ય અધુરું છે. હજુ આગેકુચ કરવાની જ રહે છે. અહીં પ્રજાપતિ બાળકો ફરી ધ્યાનમાં આવે છે. અને વિશ્વ નિર્માતા પ્રજાપતિમાં તંત્રી સ્થાને પ્રગટ થયેલ લેખ : “જ્ઞાતિના ઘર દિવડા” પ્રજાપતિ ઘર ઘરે વધુને વધુ દિવડાઓ પ્રગટે અને જ્ઞાતિમાં “પ્રજાપતિ ગૌરવ” ના તેલ સહીત દિવડે-દિવડે પ્રકાશ દ્વારા મહાજ્યોતિ પ્રગટે એવી અંતરની આશા !